પંચમહાલ ખાતે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ પર આવેલ શક્તિપીઠ મહાકાળી માતાજીના મંદિર સુધી જતાં દાદરની બંને તરફ આવેલ જૈન તીર્થકરોની પ્રતિમાઓને હટાવી દેવાને કારણે સમગ્ર રાજ્યમાં ભારે વિવાદ સર્જાયો છે. ગત રોજ જિલ્લા કલેકટર કચેરીએ જૈનાચાર્યો સહિત મોટી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓ વિરોધ પ્રદર્શન કરતાં એક તબક્કે વાતાવરણ ગરમ થયું હતું. જૈન તીર્થંકરોની પ્રતિમાઓ જ્યાં સુધી સ્થાપિત નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી સાથે આજે પણ સવારથી મોટી સંખ્યામાં જૈન સમાજના નાગરિકો કલેકટર કચેરીએ પહોંચ્યા હતા.
જો કે, મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા વિકાસના નામે જૈન તીર્થંકરોની પ્રતિમાઓને ઉખાડીને ફેંકી દેવાના વિવાદને પગલે હવે જવાબદારો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માગ પણ ઉઠી રહી છે.પાવાગઢમાં મહાકાળી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા મંદિર સુધી જતાં દાદર પર બંને તરફ હજારો વર્ષોથી જુની જૈન તીર્થકરોની પ્રતિમાઓને વિકાસના નામે ખંડિત કરીને ઉખાડી ફેંકી દેવામાં આવતાં જૈન સમાજમાં ઉગ્ર પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે.
સુરત સહિત સમગ્ર રાજ્યમાં જૈનાચાર્યો સહિત મોટી સંખ્યામાં જૈન સમાજના નાગરિકો દ્વારા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવેલ હિચકારા કૃત્યને પગલે ભારોભાર રોષ ફાટી નીકળ્યો છે. આ ઘટનાને પગલે રવિવારે સાંજે જ મોટી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓએ પાવાગઢ પોલીસ મથકે પહોંચી ગયા હતા. જ્યાં તેઓએ વિકાસના નામે જૈન તીર્થંકરોની પ્રતિમાઓની તોડફોડ રોકીને જવાબદારો વિરૂદ્ધ સખ્ત કાર્યવાહીની માગ કરી હતી. બીજી તરફ સમગ્ર ઘટના વાયુવેગે પ્રસરી જતાં સુરતમાં પણ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. ગઈકાલે મોડી રાત્રે જ જિલ્લા કલેકટર કચેરીએ જૈનાચાર્યો ધરણાં પ્રદર્શન પર બેસી ગયા હતા. જેની જાણ થતાં જ ગણતરીનાં સમયમાં સેંકડો જૈન સમાજના નાગરિકો પણ જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સૂત્રોચ્ચાર સાથે પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવેલા કૃત્યને સખ્ત શબ્દોમાં વખાડી કાઢ્યું હતું.
કલેકટર કચેરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ગઈકાલે મોડી રાત્રે સુરત શહેરનાં જૈનાચાર્યો સહિત મોટી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓ જિલ્લા કલેકટર કચેરીએ વિરોધ પ્રદર્શન માટે પહોંચ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ જૈન સમાજમાં પણ ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા અને આજે સવારે પણ આંદોલનમાં જોડાયેલા જૈનાચાર્યો સહિત નાગરિકો દ્વારા વિરોધ પ્રદર્શન યથાવત રાખવામાં આવ્યું હતું. જો કે, બકરી ઈદની રજા હોવા છતાં જૈન સમાજના વિરોધ પ્રદર્શનને ધ્યાને રાખીને કલેકટર કચેરીના પ્રાંગણમાં અને બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.