અમદાવાદમાં વહેલી સવારે ભયાનક આગની દુર્ઘટના સામે આવી છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી કઠવાડા GIDCમાં બાયોટેક ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ કેંગન વોટર રિફીલ બનાવતી કંપનીમાં મેગ્નેશિયમના જથ્થામાં આગ લાગી હતી. જે બાદ તાત્કાલિક ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 18થી વધુની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. જો કે ટેસ્ટિંગ લેબ અને આરએનડી વિભાગના સ્ટોરમાં મેગ્નેશિયમના જથ્થાના કારણે આગ વધુ પ્રસરી હોય તેવું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે.
સવારે 4.30 વાગ્યે ફાયરને આગનો મેસેજ મળ્યો
મળતી માહિતી મુજબ શહેરના પૂર્વ વિસ્તારમાં કઠવાડા GIDC ખાતે રોડ નંબર 5 પર આવેલી બાયોટેક ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં સવારે 4.30 વાગ્યે આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો. જેના પગલે ફાયરબ્રિગેડની 18થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ 45થી વધુ ફાયર બ્રિગેડના જવાનોએ બે કલાકમાં આગને કાબૂમાં લીધી હતી.
સ્ટીલનાં વાસણ બનાવતી કંપનીમાં આગ પ્રસરી
તેમજ બાયોટેક ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગ ખૂબ વધારે હતી. જે બાજુમાં આવેલી સુરભિ સ્ટીલ વાસણ બનાવતી કંપનીમાં આગ પ્રસરતા પેકેજિંગ મટીરિયલમાં આગ લાગી હતી. જેને કાબૂમાં પણ લઈ લેવામાં આવી હતી. પાછળના ભાગે આવેલા ગોપાલ ઇન્ડસ્ટ્રીયલ પાર્કને પણ સુરક્ષાના ધોરણે ખાલી કરાવી આશરે 40 વ્યક્તિઓને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર બ્રિગેડની સવાર સુધી આગને કૂલિંગ કરવાની કામગીરી કરવામાં આવી હતી.